છેલ્લા ઘણા સમયથી છોકરીઓની લગ્ન માટેની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે કેન્દ્રની મોદી સરકાર પુન:વિચાર કરવા જઈ રહી છે. આ નિર્ણયથી મહિલાઓના જીવનમાં મોટું પરિવર્તન આવે તેવી શક્યતા છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ની 75મી વર્ષગાંઠના અવસરે આ અંગે પણ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓના લગ્નની યોગ્ય ઉંમર નક્કી કરવા પર ચર્ચા થઇ રહી છે.
દેશભરની દીકરીઓએ અમને પ્રશ્ન પૂછયો છે કે હજુ સુધી કમિટીએ કેમ કોઇ નિર્ણય લીધો નથી. હું તેમને આશ્વાસન આપું છું કે ટૂંક સમયમાં જ રિપોર્ટ આવી જશે અને પછી સરકાર પોતાનું કામ કરશે.આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ સ્વતંત્રતા દિન પર જણાવ્યું હતું કે દીકરીઓની લગ્ન માટેની ઓછામાં ઓછી ઉંમર પર પુનર્વિચાર કરવા માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. સમિતિ પોતાનો રિપોર્ટ રજૂ કરે ત્યારબાદ સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે.