હાલ આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. વિશ્વના વિવિધ દેશ આ જીવલેણ મહામારીની વેક્સિન શોધવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. પરંતુ હજી સુધી આ મહામારીને 100 ટકા નાબૂદ કરે એવી વેક્સિન તૈયાર થઈ નથી. ત્યારે હવે કોરોનાના કેમિકલ રિસર્ચ માટે ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ છે. કોવિડ 19ની રસીના ક્લિનિકલ રિસર્ચ માટે ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. જે મુજબ રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે.
તમામ કોલેજ સંલગ્ન હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટેની તૈયારીઓ કરવા સૂચના આપી દેવાઈ છે. ભારત બાયોટેક દ્વારા તૈયાર થયેલી કોવેક્સિન-TM નામની રસી માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી અપાઈ છે. ગુજરાત સરકારે હાલ આ રસીના પરિક્ષણ એટલે કે ટ્રાયલ માટે રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ ટ્રાયલ શરુ કરવા માટે પરવાનગી આપી છે.
જે મુજબ બીજે મેડિકલ કોલેજ, જીએમઈઆરએસ કોલેજ સોલા અને ગાંધીનગર તેમજ એમકે શાહ મેડિકલ કોલેજ ચાંદખેડા અને એસજીવીપી મેડિકલ કોલેજને આ માટેની મંજૂરી અપાઈ છે. મહત્વનું છે કે, ભારત બાયોટેક કંપની મોટાપાયે વેક્સીનનું ટ્રાયલ કરવા માંગે છે. તેથી કંપનીએ ગુજરાતનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે સરકાર તરફથી પાંચ મેડિકલ કોલેજને ટ્રાયલની મંજૂરી અપાઈ છે. જોકે, આ પરિક્ષણ કોરોનાના દર્દી પર નહિ, પરંતુ સ્વસ્થ વ્યક્તિ પર કરવામાં આવશે.
આ 5 મેડિકલ કોલેજને મળી મંજૂરી
બીજે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
GMERS સંલગ્ન હોસ્પિટલ, ગાંધીનગર
GMERS કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા
એમ. કે. શાહ મેડિકલ કોલેજ, ચાંદખેડા
SGVP મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ