કોરોના વાયરસના સંક્રમણની શરુઆત થયા બાદ ઘણા લોકો કોરોના સંક્રમિત દર્દીઓની મદદ માટે આગળ આવ્યા જેમને કોરોના વોરિયર્સ તરીકે પણ ઓળખવામાં આવ્યા. આ તમામ લોકો જરુરીયાતમંદની પોતાની ક્ષમતા અનુસાર મદદ કરતા જોવા મળ્યા. જેમાં સોનુ સૂદનું નામ સૌથી આગળ છે અને આવા ઘણા નામો છે જેની યાદી બહુ મોટી છે અને આવુ જ એક નામ છે શિખા મલ્હોત્રાનું.
શિખા મલ્હોત્રા પોતે એક અભિનેત્રી છે પરંતુ કોરોનાકાળમાં તેણે શરુઆતથી જ સંક્રમિત દર્દીઓની સારવાર અને સારસંભાળ માટે નર્સ તરીકે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ ગઈ. જોકે, હાલમાં જ એવી જાણકારી સામે આવી છે કે મહિનાઓ સુધી કોરોનાના દર્દીઓની સારવાર અને સારસંભાળમાં રહેલી અભિનેત્રી શિખા મલ્હોત્રા કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.
જોકે, પોતે કોરોના સંક્રમિત થઈ હોવા છતાં શિખાની હિમ્મત ડગમગી નથી. તે કોરોના સામે જંગ જીત્યા બાદ ફરી એકવાર કોરોના પીડિત દર્દીઓની મદદ કરવા માંગે છે અને તેને આશા છે કે તે કોરોનાને માત આપવામાં સફળ થશે. આ અહેવાલ સામે આવ્યા બાદ તેના માટે સોશિયલ મીડિયામાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને તે ઝડપથી સાજી થઈ જાય તેવી કામના કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ફૈન અને રનિંગ શાદીમાં નજરે પડી ચુકેલ શિખાએ અભિનય કરતા પહેલા 2014માં વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ અને નવી દિલ્હી સ્થિતિ સફદરજંગ હોસ્પિટલમાં એક વર્ષનો નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. જોકે, અભિનય ક્ષેત્રમાં પોતાની કારકિર્દીના કારણે તે નર્સિંગનો અભ્યાસ પૂરો કરી શકી નહતી.