ભારતીય રેલવે તરફથી રેલવે પેસેન્જરો માટે 39 નવી પેસેન્જર ટ્રેન ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ તમામ ટ્રેનો સ્પેશિયલ ટ્રેનો તરીકે ચલાવવામાં આવશે. અલગ-અલગ ઝોન માટે રેલવેએ આ 39 નવી ટ્રેનો માટે મંજૂરી આપી હતી. મંત્રાલય તરફથી આ ટ્રેનોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે.
રેલવે મંત્રાલયના અનુસાર તમામ 39 ટ્રેનોને સ્પેશિયલ કેટેગરીમાં દોડાવવામાં આવશે. રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી ટ્રેનોની યાદીથી સ્પષ્ટ થાય છે કે તમામ 39 ટ્રેનો એસી ટ્રેનો હશે. 39માંથી 26 ટ્રેન સ્લીપર તથા 13 ટ્રેન સીટિંગ એકોમોડેશનવાળી છે. જોકે રેલવેએ હજુ સુધી ખુલાસો કર્યો નથી કે આ ટ્રેન ક્યારથી દોડાવવામાં આવશે. પરંતુ તહેવારની સિઝનમાં તેની શરૂઆત થઇ શકે છે.
મહત્વનું છે કે, IRCTC થી 17 ઓક્ટોબરથી પ્રાઇવેટ ‘તેજસ’ ટ્રેનોની સેવા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. કોવિડ 19 મહામારીના લીધે 7 મહિના પહેલાં તેજસની લખનઉ-નવે દિલ્હી અને અમદાવાદ-મુંબઇ સેવા બંધ કરવામાં આવી હતી. તેજસ ટ્રેનોને ફરીથી દોડાવવાને લઇને IRCTC એ મુસાફરો તથા ટ્રેનના સ્ટાફ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.