કોરોના મહામારી વચ્ચે ગુજરાતની રુપાણી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને રાહત આપતો વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીના કારણે હજી પણ રાજ્યમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.
તેવી સ્થિતિમાં છેલ્લા કેટલાક મહિનાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. જોકે, ઓનલાઈન શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેથી અભ્યાસક્રમમાં ઘટાડા અંગે છેલ્લા કેટલાક સમયથી વિચારણા ચાલી રહી હતી.
ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12માં એક વર્ષ માટે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ ઘટાડાની માહિતી શાળાઓને મોકલી આપવામાં આવશે. તેમજ જે અભ્યાસક્રમમાં ઘટાડો કરાયો હશે તેના પ્રશ્નો પરીક્ષામાં નહીં પૂછવામાં આવે.