કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીઓ પણ સામે આવી રહી છે. રાજકોટ, વડોદરા બાદ ખેડબ્રહ્મામાં પણ જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં લક્ષ્મીપુરા રસ્તા નજીક કેટલીક ખાનગી હોસ્પિટલ આવેલી છે. જોકે આ હોસ્પિટલો દ્વારા મેડિકલ વેસ્ટ રસ્તા પર નાંખવામાં આવતા ખળભળાટ મચ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.
કોરોનાની મહામારી વચ્ચે દવાઓ, ઈન્જેક્સન, નિડલ્સ, પીપીઈ કીટ જાહેર રસ્તા પર નાખવામાં આવતા આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોમાં હોસ્પિટલની બેદરકારીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મામલતદાર અને પીએસઆઈને પણ માહિતી આપવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી. ત્યારે જવાબદાર હોસ્પિટલ સામે યોગ્ય પગલા લેવામાં આવે અને મેડિકલ વેસ્ટ જાહેરમાં ન ફેંકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, દવાખાના, હોસ્પિટલ, પ્રસુતિગૃહ વગેરે સ્થળોએ દર્દીની સારવારમાં વપરાયેલી સાધન-સામગ્રીના કચરાને મેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. જોકે, દર્દીની સારવારમાં વપરાયેલ વસ્તુને જાહેરમાં ફેંકવાથી હવા અને પાણીનું પ્રદૂષણ મારફતે તે બિમારી આસપાસના વિસ્તારમાં ફેલાવાનો ભય રહેલો હોય છે.