દેશના ઉતત્ર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં ચોમાસાની ઔપચારિક વિદાયની સાથે શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. આગામી શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડશે. ત્યારે શિયાળો લાંબો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. હવામાં ઘટતી આદ્રતા, સુકી હવા અને સ્પષ્ટ હવામાનના કારણે સ્પષ્ટ ઠંડીની લહેર શરુ થઈ જાય છે જે થઈ પણ ગઈ છે.
ધરતીના એક મોટા હિસ્સામાં ઝડપથી હવામાન બદલાઈ રહ્યું છે. દેશમાં પણ પવનની દિશા બદલાવા લાગી છે. નીચા દબાણવાળા ઉત્તરીય ક્ષેત્રમાં હવે ઊંચા દબાણને કારણે પવનની ઝડપ વધી છે. સૂકો, ઝડપી પવન શરૂ થયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક હિસ્સામાં રાત્રે તાપમાન ઘટવા માંડ્યું છે.
દેશમાં આ વર્ષે કડકડતી ઠંડી પડશે અને શિયાળાની સીઝન આ વર્ષે લાંબી રહેશે. ઓક્ટોબર મહિનાના અંતે અને નવેમ્બરના પ્રારંભે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાથી પહાડી વિસ્તારમાં હિમવર્ષા શરૂ થશે. એટલું જ નહીં ઉત્તર દિશામાંથી ઠંડા પવનને કારણે દિવસનું તાપમાન પણ ઘટશે. આ કારણે સવારે ધુમ્મસ પણ જોવા મળી શકે છે. સ્કાઈમેટના જણાવ્યા મુજબ આ સમયે લા નીનાની સ્થિતિ બની શકે છે જેના કારણે શિયાળો હોળી સુધી લંબાઈ શકે છે.