રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. સરકારના આ નિર્ણયથી 50 લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે. હવે NFSAના મળવાપાત્ર તમામ લાભોનો આ વધુ 10 લાખ પરિવારને પણ તેનો ફાયદો મળશે.
રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે.. NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે. શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો રાજ્ય સરકારનો અભિગમ છે.
તેમજ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને NFSA લાભ આપી રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવશે. આ યોજનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી સત્વરે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ આપવા મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે.