કોરોનાના કારણે લાગુ પડેલા લોકડાઉનમાં અનેક લોકોને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનો અવકાશ મળ્યો હતો. આ અવકાશનો લાભ લઈ કેરળની આરતી રઘુનાથ નામની યુવતિએ લોકડાઉનના સમયગાળામાં 350 ઓનલાઈન કોર્સ પૂરા કર્યા છે. કેરળની આ યુવતિને આ માટે સન્માન પ્રાપ્ત થયુ છે અને તેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.
કેરળની એક કોલેજની બાયોકેમેસ્ટ્રીની વિદ્યાર્થીની આરતી રઘુનાથે છેલ્લા ત્રણ મહિનામાં 350 ઓનલાઈન કોર્સ પૂરા કર્યા છે. કોચિની રહેવાસી આ વિદ્યાર્થીનીએ જાણે અજાણે યુનિવર્સલ રેકોર્ડ ફોરમમાં વિશ્વ વિક્રમ સર્જી દીધો છે. આ અંગે તેણે જણાવ્યુ હતું કે, કોલેજમાં મારા અધ્યાપકના કારણે ઓનલાઈન શિક્ષણની દુનિયા સાથે મારો પરિચય થયો.
જેમાં મને ઓનલાઈન કોર્સની આખી સીરીઝ જોવા મળી હતી.જેથી લોકડાઉન દરમિયાન મેં એક બાદ એક ઓનલાઈન કોર્સ સફળતાપૂર્વક પૂરા કર્યા હતા.લોકડાઉન દરમિયાન આરતીએ પોતાના મોટાભાગનો સમય અભ્યાસમાં જ પસાર કર્યો હતો અને ઓનલાઈન કોર્સ પર જ ધ્યાન આપ્યુ. આરતીએ મોટી મોટી યુનિવર્સિટીમાંથી આ કોર્સ પૂરા કર્યા. જેમાં જોન હોકિંગ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર, યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક અને કોપનહેગન સહિત ઘણી યુનિવર્સિટી સામેલ છે.