ભારતીય નૌસેનામાંથી નિવૃત્ત થયેલ યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને તૂટતુ બચાવવા માટે વધુ એક આશાનું કિરણ જાગ્યુ છે. નિવૃત્ત થયેલ યુદ્ધ જહાજના માલિકે તેને વેચવા માટે 100 કરોડની કિંમત મૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે મુંબઈ સ્થિત એક કંપની યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને તૂટતા બચાવી શકે છે અને વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવા વિચારી રહી છે.
અલંગ સ્થિત શ્રી રામ ગ્રુપે વિરાટને અન્ય કંપનીને રૂ. 100 કરોડમાં વેચવા તૈયારી દર્શાવી છે. મુંબઈ સ્થિત આ કંપની વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવા વિચારી રહી છે. હવે વિરાટને શ્રી રામ ગ્રુપ પાસેથી ખરીદવા માટે મુંબઈની કંપનીએ રક્ષા મંત્રાલય પાસેથી વહેલી તકે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવું પડશે.
મહત્વનું છે કે, ભારતીય નેવીના ઐતિહાસિક વારસા સમાન વિરાટને તૂટતું બચાવવા માટે સોશિયલ મીડિયા ઉપર પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય નૌસેનામાં 1987માં દાખલ થયેલા યુદ્ધ જહાજ વિરાટે 30 વર્ષ સુધી દેશની સેવા કરી અને 2017માં તેને સેવાનિવૃત કરવામાં આવ્યું હતું. આ જહાજને અલંગ સ્થિત શ્રી રામ ગ્રુપે રૂ. 38.54 કરોડમાં ખરીદ્યું હતું. વિરાટ ગત સપ્તાહે અલંગ પહોંચી ગયું છે. જોકે અહીં સવાલ એ પણ ઉભો થાય છે કે શ્રી રામ ગ્રુપના અધ્યક્ષ મુકેશ પટેલે 38.54 કરોડમાં આઈએનએસ વિરાટને ખરીદતા સમયે નિવેદન આપ્યુ હતું કે મેં આ યુદ્ધ જહાજ દેશ પ્રત્યેની મારી દેશભક્તિ માટે ખરીદ્યુ. જો ખરેખરમાં દેશપ્રેમ માટે જહાજ ખરીદ્યુ તો તેને કરોડોના વધુ નફા સાથે શા માટે વેચવામાં આવી રહ્યું છે?