પાકિસ્તાન દ્વારા એલઓસી પર સતત ફાયરીંગ કરી નાપાક હરકત કરવામાં આવી રહી છે. પાકિસ્તાને દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં ત્રણ ભારતીય જવાન શહિદ થયા છે, જ્યારે ચાર જવાન આ હુમલામાં ઘાયલ થયાના અહેવાલ છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં પાકિસ્તાન તરફી પણ મોટુ નુકસાન થયુ છે.
સેનાના સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલ સેનાની પોસ્ટ પર મોર્ટારવડે હુમલો કર્યો હતો. સાથે જ કલાકો સુધી સતત ગોળીબાર પણ કર્યો હતો. સેનાના પ્રવક્તાના જણાવ્યા મુજબ ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટારવડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે જવાન શહિદ થયા છે અને ચાર જવાન ઘાયલ થયા છે. મહત્વનું છે કે આ પહેલા પાકિસ્તાન દ્વારા પૂંછ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા ભારતીય ચેકપોસ્ટ પર કરવામાં આવેલ ગોળીબારમાં એક જવાન શહિદ થયો હતો. પાકિસ્તાની રેંજર્સ દ્વારા કરવામાં આવેલ ફાયરીંગનો ભારતીય સેનાના જવાનો દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, એલઓસી પર વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરી આતંકીઓની ઘુસણખોરી કરવા માટે પણ પાકિસ્તાન જાણીતુ છે. જોકે, ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનની આ નાપાક હરકતનો જવાબ આપી આતંકીઓની ઘુસણખોરીને પણ નિષ્ફળ બનાવતા રહે છે.