ચીન સાથે સરહદે ભારે તણાવ છે ત્યારે ફ્રાંસે ભારતને વધુ પાંચ ઘાતક યુદ્ધ વિમાન રાફેલ સોંપ્યા છે. આ બેચમાં શામેલ પાંચેય વિમાનો હજીયે ફ્રાંસની ધરતી પર જ છે. માનવામાં આવે છે કે, ઓક્ટોબર મહિનામાં આ પાંચેય રાફેલ ભારત પહોંચી જશે. આ વિમાનોને પશ્ચિમ બંગાળ સ્થિત કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે.
આ યુદ્ધ વિમાનો ચીનના J-20 ચાંગડુ માટે કાળ સાબિત થશે. આ અગાઉ પહેલા જ 5 રાફેલ ચીન સરહદે તૈનાત કરાયા છે. હવે આવનારા અન્ય 5 રાફેલ પણ ચીન સરહદે જ ખડકવામાં આવશે. સરહદે આંખ બતાવી રહેલા ચીન સામે ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેક ઘણો વધારો થશે. રાફેલની પહેલી 5 વિમાનોની બેચને 10 સપ્ટેમ્બરે ઔપચારીક કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનામાં શામેલ કરવામાં આવ્યા હતાં. ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેનુઅલ લેનિને રાફેલ જેટની બીજી બેંચને ભારતને સોંપી દીધી છે. આ તમામ વિમાનો હાલ ફ્રાંસમાં જ છે, ભારતીય વાયુસેના પર નિર્ભર છે કે તે આ વિમાનોને ક્યારે ભારત લાવશે. ફ્રાંસના રાજદૂતે ભારતીય વાયુસેનાના પાયલટોના ભારોભાર વખાણ કરતા તેમને ઉત્તમ ગણાવ્યા છે.