જમ્મુ-કાશ્મીરના ઉરી અને મુંબઈના 26/11 જેવા આતંકી હુમલા પર ફિલ્મો બની ચુકી છે. ત્યારે વધુ એક મોટા આતંકી હુમલા પર ફિલ્મ બનવા જઈ રહી છે. ગુજરાતમાં વર્ષ 2002માં અક્ષરધામ મંદિર પર થયેલ આતંકી હુમલા પર ફિલ્મ બની રહી છે. સીરીઝ ‘સ્ટેટ ઓફિસીઝ : 26/11’ ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ ‘સ્ટેટ ઓફસીઝ : અક્ષરધામ’ બનાવવાની જાહેરાત કરી છે.
આપને જણાવી દઈએ કે, ગાંધીનગર શહેરમાં આવેલા અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર, 2002માં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા, અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા.
મહત્વનું છે કે, ગુજરાતના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ મંદિર પર આ રીતે કરવામાં આવ્યો હોય તેવો પ્રથમ આતંકવાદી હુમલો હતો. સુરક્ષાદળોએ હુમલો કરનાર બન્ને આતંકીઓને જવાબી કાર્યવાહીમાં ઠાર કર્યા હતા. અક્ષરધામ હુમલા પરની ફિલ્મ કન્સેપ્ટના તબક્કે જ છે. તેથી તેની રીલીઝ અને સ્ટારકાસ્ટ અંગેની પૂરી વિગતો નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.