એક સમય એવો હતો કે, જ્યારે એન્જીનિયરિંગમાં એડમિશન લેવા માટે કતારો લાગતી હતી પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ છે. હવે એન્જિનિયરિંગ ફેકલ્ટીના વળતા પાણી જોવા મળી રહ્યા છે. રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે. જેના કારણે ડિપ્લોમાં અને ડિગ્રી એન્જિનિયરિંગમાં 3 હજાર જેટલી સીટો ઓછી થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે. કોર્ષ ઘટાડા અને કોલેજ બંધ કરવાની અરજીને પગલે ડિપ્લોમા અને ડિગ્રી એન્જીનિયરિંગમાં 3 હજાર જેટલી બેઠકો ઘટશે. સરકારે ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે આડેઘડ કોલેજોને મંજુરી તો આપી પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.
જીટીયુ સંલગ્ન 22 એન્જીનિયરિંગ કોલેજો અને 13 ડિપ્લોમા કોલેજોએ કોર્સ ઘટાડાની મંજુરી માંગી છે. કોર્સ ઘટાડતા ડિગ્રી એન્જીનિયરિંગમાં 1830 જ્યારે ડિપ્લોમા કોલેજોમાં 1110 સીટો ઘટશે. કોલેજ ક્લોઝરની વાત કરીએ તો ગાંધીનગરની બે કોલેજો અને વલસાડની એક કોલેજે બંધ કરવા માટે અરજી કરી છે.