રાજ્યના માથે વધુ એક ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. એકબાજુ વરસાદી માહોલ હજી પણ રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી રહ્યો છે. ત્યાં ઓક્ટોબર મહિનામાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ ઓક્ટોબરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જો તેનું જોર વધશે તો ચક્રવાતની સંભાવના પણ છે.
આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેમાંય જો આ સિસ્ટમનું જોર વધશે તો 9થી 11 ઓક્ટોબર ચક્રવાતની શક્યાતા છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ, રાજ્યમાં 22 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે. જ્યારે 26 અને 27 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.