થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાંથી એક વિડિયો વાયરલ થયો હતો જેમાં એક શખ્સે કુતરાને વિડિયો બનાવવા માટે એક કુતરાને તળાવમાં ફેંકી દીધુ હતું. આ વિડિયોને લઈ પશુ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારે બીજીબાજુ તેલંગાણાના નગરકુરનુલ વિસ્તારનો એક વિડિયો વાયરલ થયો છે. જેણે માનવતા હજી પણ નથી પરવારી તેનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
તેલંગાણાના નગરકુરનુલ પોલીસ સ્ટેશનના એક હોમગાર્ડ જવાને એક કુતરાને મોતના મૂખમાંથી બચાવ્યો હતો જેનો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પોલીસ જવાનની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, તેલંગાણાના નગરકુરનુલ શહેરના બહારના વિસ્તારમાં ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે ઝાડીઓમાં એક કુતરુ ફસાઈ ગયુ હતું. ચારેય બાજુથી પાણી વહેતુ હતું ત્યારે સ્થાનિક પોલીસના જવાનને આ અંગે જાણકારી મળતા તે જેસીબી સાથે વહેતા પાણીમાં કુતરાને બચાવવા ઉતરી ગયો. આ પોલીસ જવાને ભારે જહેમત બાદ કુતરાને સહિસલામત બહાર કાઢી બચાવી લીધો હતો. પોલીસ જવાનની આ કામગીરીની લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી.