વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. પીએમ મોદી આજે 17 સપ્ટેમ્બરના રોજ 70 વર્ષના થયા. તેમના જન્મદિવસ પર પક્ષ-વિપક્ષની રાજકીય પાર્ટીઓ સહિત વિદેશી રાજનેતાઓએ શુભકામના પાઠવી હતી. જ્યાં એકબાજુ ટ્વિટર પર હેશટેગ HappyBirthday PM Modi ટ્રેન્ડ કરી રહ્યું છે. તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થી ઉમેદવારો દ્વારા બેરોજગારીના મુદ્દે હેશટેગ રાષ્ટ્રીય બેરોજગારી દિવસ ટેન્ડ્રિંગ કરી રહ્યું છે.
વિપક્ષ સહિત ઘણી મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યૂઝર્સે મોદીના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ બતાવ્યો છે અને આ મામલે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ દેશના યુવાનોને બેરોજગાર કરી દીધા હોવાની વાત સાથે સોશિયલ મીડિયામાં યુઝર્સે તેમને ટ્રોલ કર્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ નોકરી, પરીક્ષા, અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓને જલદી પુરી કરવાની માંગ કરી રહ્યા છે અને વધતી બેરોજગારીને લઈ સરકાર સામે શાબ્દીક હુમલા કરે છે.
થોડા દિવસો અગાઉ યુ ટ્યુબ પર પણ પીએમ મોદી અને ભાજપના વિડિયોને ડિસલાઈક કરવાનું અભિયાન મારફતે વિદ્યાર્થી ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.