દેશમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકાર વચ્ચે રાજ્યસભામાં પણ તેના પર ચર્ચા થઈ હતી. ભારત સહિતના ઘણા દેશોમાં આ વાયરસની વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. ત્યારે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ તેમજ વેક્સીન અંગે વાત કરતા આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, ભારત પણ અન્ય દેશોની જેમ વેક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પીએમના માર્ગદર્શનમાં નિષ્ણાતોનું એક જૂથ આ બાબત પર નજર રાખી રહ્યું છે. ભવિષ્ય માટે આપણી પાસે ઘણી સારી યોજનાઓ છે. તેમણે જણાવ્યું કે, આશા છે કે વર્ષ 2021ની શરુઆતમાં ભારતમાં કોરોનાની વેક્સિન લોન્ચ થઈ ચુકી હશે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ઓછી છે અને તેના પ્રસારને રોકવા માટે સરકારે લીધેલા પગલા સફળ થયા છે. દેશના 13 રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ છે પણ દુનિયાના બીજા દેશો કરતા અહીંયા સ્થિતિ વધારે સારી છે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, કોરોનાના મોટાભાગના કેસ અને મોત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, યુપી, દિલ્હી, આસામ, કેરલ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર, જેવા રાજ્યોમાં નોંધાયા છે. મહત્વનું છે કે, આ પહેલા પણ આરોગ્ય મંત્રીએ કોરોનાની વેક્સીન અંગે નિવેદન આપ્યુ હતું. ભારતમાં વેક્સીન પર ઝડપથી કામ ચાલી રહ્યુ છે જેથી ટૂંક સમયમાં જ ભારતીયોને આ વેક્સીન મળશે તેવી આશા વ્યક્ત કરી હતી