આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. થોડા દિવસના વિરામ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરું થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતોજેમાં સુરતના ઉમરપાડામાં આભ ફાટતા માત્ર બે જ કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં 9 ઈંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવસ્ત બન્યું છે.
આ ઉપરાંત માંગરોળમાં પણ 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના રાજુલામાં 3 ઈંચ ખાબક્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા સહિતના પંથકોમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે.