કોરોના મહામારીને કારણે અનેક ધંધા-રોજગારને અસર પડી હતી. નાના-મોટા વેપારીઓની સાથે સાથે રીક્ષા ચાલકોને પણ ગુજરાન ચલાવવુ ભારે પડ્યુ હતું. જેની વચ્ચે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકોના હિતમાં મહત્વનો આદેશ આપ્યો છે. રાજ્યના રિક્ષા ડ્રાઇવરો માટે સરકાર તરફથી આર્થિક સહાય અંગે રિટ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે હકારાત્મક વલણ અપનાવી સરકારને આ અંગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને રિક્ષા ચાલકોના હિતમાં પગલા લેવા તેમજ આત્મનિર્ભર યોજના હેઠળ તેમને લાભ આપવા માટે જણાવ્યું છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આત્મનિર્ભર સહાયના નામે એક લાખ રૂપિયા આપવાની યોજના બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારે હાઇકોર્ટ દ્વારા સરકારની આ સહાય આપવાના નીતિ નિયમો હળવા કરવા અને સામાન્ય વ્યક્તિને લોન મળી રહે તે બાબતે એવું ધ્યાન રાખી નિયમ હળવા કરવા જણાવ્યું હતું. જે દરમિયાન કોર્ટે જણાવ્યું કે, રાજ્ય સરકારે એ પણ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, ગુજરાત રાજ્યના સાડા આઠ લાખ ઓટો રિક્ષા ચાલકોમાંથી આત્મનિર્ભર સહાય યોજનામાં ફક્ત 820 ઓટો રિક્ષા ચાલકોને જ લોન આપવામાં આવી છે. મહત્વનું છે કે, જાગૃત ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન અમદાવાદ અને અમદાવાદ રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન વતી એડવોકેટ કે.આર. કોષ્ટી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.