ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત મહિને પડેલા ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જેમાં પૂરના પાણીમાં કેટલાક લોકોના તણાઈ જવાના કારણે મોત નિપજ્યા હોવાના બનાવ બન્યા હતા તો અનેક વાહન પણ વરસાદી પાણીમાં તણાયા હોવાના વિડિયો સામે આવ્યા હતા. ત્યારે વધુ એક વખત વરસાદી પાણીમાં કાર તણાઈ હોવાની ઘટના બની છે જેનો વિડિયો વાયરલ થયો છે.
https://twitter.com/TheSquirrelin/status/1305053883887046656?s=20
મળતી માહિતી મુજબ, હાલ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસતા નદી-નાળામાં પાણીની આવક થઈ રહી છે. તો કેટલાક ભાગોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં દિવસભરના બફારા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. જેના કારણે નદીકિનારાના વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ત્યારે ઇડરના ખરીદી બજારમાં એક મારુતિ કાર તણાઈ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રહેણાંક વિસ્તારમાં કાર તણાતા એક સ્થાનિક વ્યક્તિ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. સાબરકાંઠાના ઈડર ઉપરાંત વડાલી, ખેડબ્રહ્મા, ભિલોડા, વિજયનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતા. જેને લઇને નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.