ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાના રોજે રોજ 1 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. તેમાંય છેલ્લા કેટલાક દિવસોમાં સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેવામાં સુરતના માંગરોળ ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ આવતીકાલથી 12 દિવસ માટે માંગરોળમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
જોકે આ દરમિયાન માંગરોળના બજાર સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત માંગરોળ તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે. બીજીબાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટજી જાહેર કરાઈ છે. જે મુજબ સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ બન્ને દિવસે ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, સુરતના માંગરોળ તાલુકામાં અત્યાર સુધી 495થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકામાં 18 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.