મહારાષ્ટ્ર સરકાર પર સતત પ્રહાર કરનાર બોલીવુડ અભિનેત્રી કંગના રનૌટે હવે આ વિવાદમાં કોંગ્રેસને પણ ઘેરી છે. કંગના રનૌટે શુક્રવારે એક સાથે સતત ત્રણ ટ્વિટ કરીને કોંગ્રેસની સાથે સાથે શિવસેના પર આડકતરી રીતે હુમલો કર્યો. તેમજ આ મામલે કંગનાએ સોનિયા ગાંધીને પણ દરમિયાનગીરી કરવા વિનંતી કરી.
બોલીવુડ ક્વીન કંગના પોતાની કરોડોની ઓફિસ પર બીએમસીનું બુલ્ડોઝર ચાલતા બરાબરની છંછેડાઈ છે. તેણે શુક્રવારે શિવસેના અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ઉધડો લેતા લેતા બાણ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી તરફ વાળી દીધા. કંગના રનૌટે ટ્વિટ મારફતે કોંગ્રેસ તેમજ સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા હતા.
તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે, મારી સાથેના વર્તન અંગે તમારા મૌન પર હવે ઈતિહાસ નિર્ણય કરશે. સાથ જ તેણે બાલાસાહેબ ઠાકરેનો પણ ટ્વિટમાં ઉલ્લેખ કરતા લખ્યું કે, આજે બાલાસાહેબ હોત અને શિવસેનાની આ હાલત જોઈને તેઓ શું કહેતા. કંગનાએ આ વિવાદ મામલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને દરમિયાનગીરી કરવા પણ જણાવ્યું.
તેમજ કહ્યું કે શું તમારી સરકારમાં મહિલાઓનું શોષણ યોગ્ય છે. મારી સાથે થયેલા વ્યવહારથી આપ ગુસ્સે નથી? કંગનાએ ટ્વીટમાં શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેને યાદ કર્યા અને તેમનો જૂનો વીડિયો શેર કરીને શિવસેનાની આજની સ્થિતિ પર ટોણો માર્યો હતો.