દેશના કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ 90 હજારની આસપાસ કે તેથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોના વાયરસને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આઈસીએમઆરએ સંયુકત રીતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. પત્રમાં તમામ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે, રેપિડ એન્ટીજન ટેસ્ટથી નેગેટિવ આવતા લક્ષણ ધરાવતા લોકોનો ફરજિયાતપણે RT-PCRથી ટેસ્ટ કરાવવો.
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કર્યો છે કે, એન્ટીજન ટેસ્ટ કિટથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોય અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં જો દર્દીમાં કોરોનાના લક્ષણો હોય તો તેનો કોરોના ટેસ્ટ RT-PCR કીટથી ફરજિયાત બીજી વખત કરવો. આ માર્ગદર્શિકા એવા સમયે આવી છે જ્યારે ભારતમાં દરરોજ નવા કેસ નોંધાવાનો આંકડો એક લાખ નજીક પહોંચ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને આદેશ કર્યો છે કે કોરોનાના લક્ષણો ધરાવતા તમામ રેપિડ એન્ટીજન નેગેટિવ ટેસ્ટની તપાસ ફરીથી RT-PCRથી કરવામાં આવે. સાથે જ પત્રમાં જણાવાયું છે કે, તમામ સિમ્પ્ટોમેટિક નેગેટિવ ટેસ્ટની ફરીથી તપાસ એ માટે જરૂરી છે જેનાથી આવી વ્યક્તિ કોઈ અન્યને ચેપ ન ફેલાવે. આના કારણે ભૂલથી કે ટેસ્ટ કિટને લીધે પોઝિટિવ હોવા છતાં નેગેટિવ આવેલા વ્યક્તિને ઝડપથી આઇસોલેટ કે પછી હૉસ્પિટલમાં દાખલ કરી શકાશે.