આશરે એક સપ્તાહના વિરામ બાદ રાજ્યમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રને પાંચ દિવસ સુધી વરસાદ ઘમરોળી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.
ત્યારે વધુ એક વખત રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 12 સપ્ટેમ્બરે પણ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જે દરમિયાન દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, રાજ્યના કેટલાક ભાગોમાં બુધવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત, ડાંગ, સાપુતારા, કડી જેવા વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા.