ફ્રાન્સ પાસેથી ખરીદાયેલા રાફેલ ફાઈટર જેટ્સને ગુરુવારે સત્તાવાર રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાફેલ ફાઈટર જેટ્સને ભારતીય વાયુસેનામાં સામેલ કરવા માટે અંબાલા એરબેઝ ખાતે ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રોક્ત પૂજા સાથે રાફેલને સામેલ કરવા ઉપરાંત રાફેલના સ્વાગત માટે એર શો પણ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લી પણ હાજર રહ્યા હતા. જ્યારે સીડીએસ જનરલ બિપિન રાવત, વાયુ સેના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભારતીય વાયુસેનામાં રાફેલને સત્તાવાર સામેલ કરતા પહેલા સિખ ધર્મ ગુરુ દ્વારા રાફેલ વિમાનોની શસ્ત્ર પૂજા પણ કરવામાં આવી હતી. એટલુ જ નહીં મુસ્લિમ ધર્મ ગુરુ પણ રાફેલની શસ્ત્ર પૂજામાં સામેલ થયા હતા, જેમણે દેશની રક્ષા માટે દુઆ માંગી હતી. આ પહેલા અંબાલા એરબેઝ ખાતે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનનો એર શો પણ યોજાયો હતો. જેમાં એસયુ-30 અને જગુઆર વિમાને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો.
મહત્વનું છે કે, ભારત અને ફ્રાંસ વચ્ચે 36 લડાકુ વિમાનની ખરીદી માટે 59 હજાર કરોડ રુપિયાનો કરાર કરવામાં આવ્યો છે. આ કરારના ચાર વર્ષ બાદ વાયુસેનામાં સત્તાવાર રીતે સામેલ થયેલા પાંચ રાફેલ વિમાનનો પ્રથમ જથ્થો ફ્રાંસથી અંબાલા એરબેઝ ખાતે 29 જુલાઈના રોજ પહોંચ્યો હતો. ફ્રાંસની વિમાન કંપની ધએસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવેલ 10 વિમાનને હજી સુધી ભારતને સોંપવામાં આવ્યા છે. જેમાંથી પાંચ હજી ફ્રાંસમાં જ છે જેના પર ભારતીય વાયુસેનાના પાયલટ ટ્રેનિંગ લઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે 36 લડાકુ વિમાનોની ડિલીવરી 2021ના અંત સુધીમાં પૂરી કરવામાં આવી શકે છે.