રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ નવી શિક્ષણ નીતિ પર આયોજિત રાજ્યપાલોની કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે હાલમાં જ નવી શિક્ષણ નીતિ અંગે જાહેરાત કરી હતી. જેના પર હજી પણ મંથન ચાલી રહ્યું છે. ત્યારે નવી શિક્ષણ નીતિ અંગે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશના લક્ષ્યોને શિક્ષણ નીતિ અને વ્યવસ્થાના માધ્યમથી પૂરું કરી શકાશે. તેમણે કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારની દખલગીરી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ નીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે વાત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ સામેલ હતા.
વડાપ્રધાને કહ્યું કે આજે કોઈને પોતાની આ નીતિ પોતાની લાગી રહી છે જે ભલામણો લોકો જોવા માંગતા હતા તે જોવા મળી રહી છે. હવે દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને દેશમાં લાગુ કરવાની પદ્ધતિ પર સંવાદ થઈ રહ્યો છે, તે એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી 21મી સદીના ભારતનું નિર્માણ થવાનું છે. વડાપ્રધાને જણાવ્યું કે, શિક્ષણ નીતિ દેશની આકાંક્ષાઓને પૂરી કરવાનું ખૂબ અગત્યનું માધ્યમ હોય છે જેનાથી તમામ લોકો જોડાયેલા હોય છે. શિક્ષણ નીતિમાં સરકારની દખલ અને પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી ઉપરાંત ઘણા રાજ્યોના શિક્ષણ મંત્રી, અધિકારી, યુનિવર્સિટીઓના કુલપતિએ પણ ભાગ લીધો હતો.