બેરોજગારી અને અટકી પડેલી ભરતી પ્રક્રિયાને લઈને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના બેરોજગાર યુવાનો અને જુદી જુદી સરકારી પરીક્ષાઓ આપી ચૂકેલા ઉમેદવારો સરકારી નોકરીઓમાં ભરતી કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં શિક્ષિત બેરોજગાર યુવાનોની સરકારના વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે સરકારની આ જાહેરાતને શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા લોલીપોપ ગણાવી ગાંધીનગરમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જે અંતર્ગત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાન વસંતવગડા ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો ઉપવાસ આંદોલન પર બેઠા હતા.
સાથે જ છાશવારે આંદોલન કરતા યુવાનોનો અવાજ દબાવવા માટે કરવામાં આવતી અટકાયત મામલે પણ શિક્ષિત બેરોજગાર યુવાનોએ ગાંધીનગરમાં સરકાર તેમજ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
જ્યારે યુવરાજસિંહ જાડેજાના પત્ની બિંદિયાબા જાડેજાએ પોતાના પતિની અટકાયત મામલે રોષ વ્યક્ત કર્યો હતો અને જ્યાં સુધી યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી પોતે અન્ન-જળનો ત્યાગ કરશે. સાથે જ તેમણએ પોલીસ તેમજ સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને પોતાના પતિને ખોટી રીતે પકડીને પોલીસે ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. રોજગારી મુદ્દે છેલ્લા ઘણા સમયથી ટ્વીટર પર બેરોજગારીનો મુદ્દો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.