ભારતે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર બોર્ડરને લઈને સેફ મોડમાં આવી ગઈ છે. પેંગોગ ત્સ્યોના દક્ષિણ કિનારે ચીની સેનાની કાર્યવાહી બાદ ભારતીય સેના પણ આક્રમક મૂડમાં આવી ગઈ છે. લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત તણાવપૂર્ણ માહોલ બન્યો છે. ગત બે દિવસ 29મી અને 30મી ઓગસ્ટના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેન્ગોંગ ખીણ પાસે ઘર્ષણના અહેવાલ સામે આવ્યા બાદ ભારતીય સેનાએ પીપલ્સ લિબેરેશન આર્મી (PLA)ને પાછળ ધકેલીને રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરી લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઘર્ષણ દરમિયાન ભારતીય સૈનિકોએ આશરે 500 જેટલા ચીની સૈનિકોને ઘેરી લીધા હતા. જે બાદમાં સૈનિકો ચાર કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયા હતાં, જ્યાં પહેલા ચીનનો કબજો હતો. મળતી માહિતી મુજબ, 30મી ઓગસ્ટના રોજ વહેલી સવારે ભારતીય સૈન્યની વિકાસ બટાલિયન જેને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ કહેવામાં આવે છે જે ચીની પોઝિશન અને કબજો ન હોય તેવા વિસ્તારમાં આગળ વધી હતી.
ત્યારબાદ આ બટાલિયને ચીનની એક મહત્ત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરી લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ બટાલિયનના આ ઑપરેશનને પગલે PLAએ ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. ભારતીય સેનાની આ કાર્યવાહીથી ચીન પણ ચોંકી ઉઠ્યુ હતું. હાલ લદ્દાખમાં હવે ભારતીય સેના પણ સતર્ક જોવા મળી રહી છે અને પડોશી દેશની તમામ હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.