સુપ્રીમ કોર્ટે ગુરુવારે લોકડાઉન દરમિયાન ભારતીય રીઝર્વ બેંક તરફથી આપવામાં આવેલ લોન મોરેટોરિયમને આગળ વધારવા અને વ્યાજમાં છૂટ આપવાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જે અંગેની સુનાવણી આગામી 10 સપ્ટેમ્બરે હાથ ધરાશે. લોન મોરટોરિયમ કેસમાં સુપ્રીમ કોર્ટે લોકોને હાલ વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ બેંક લોન ખાતું ઓગસ્ટ સુધીમાં NPA જાહેર કરવામાં નહીં આવે, તો પછીના બે મહિના સુધી તેને NPA જાહેર ન કરવું જોઈએ.
કોર્ટે સરકારને કહ્યું છે કે જે ગ્રાહકોના ખાતા 31 ઓગસ્ટ સુધી NPA (નોન પરફોર્મિંગ એસેટ) જાહેર કરવામાં આવ્યા નથી, તેમને કેસની પતાવટ ન થાય ત્યાં સુધી પ્રોટેક્શન આપવામાં આવે. અગામી સુનાવણી 10 સપ્ટેમ્બરે હાથ ધરાશે. આ પહેલા સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વ્યાજમાં છુટ ન આપી શકાય, જોકે પેમેન્ટનું દબાણ ઘટાડીશું. તેમણે દલીલમાં જણાવ્યું હતું કે, બેન્કિંગ સેક્ટર ઈકોનોમિની કરોડરજ્જુ છે. અમે અર્થવ્યવસ્થાને નબળી કરનાર કોઈ નિર્ણય ન લઈ શકીએ. લોન મોરેટોરિયમ કેસમાં સુનાવણી હવે આવતા સપ્તાહે 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના નિરીક્ષણો ખૂબ મહત્વના હતા જેમાં તેમણે કહ્યું હતું કે, જો લોકો કોઈને લોન નહીં ચૂકવે તો સરકારે તેમની ઉપર દબાણપૂર્વક કાર્યવાહી ન કરવી જોઈએ. મહત્વનું છે કે, સરકારે સોમવારે લોન મુદત અંગે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે સંકેત આપ્યો છે કે આ મુદત બે વર્ષ માટે લંબાવી શકાય છે. પરંતુ ફક્ત થોડા જ ક્ષેત્રોમાં તે મળશે. કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, વ્યાજ પરના મુદ્દા અંગે રિઝર્વ બેંક નિર્ણય લેશે.