ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી વરસી રહેલા મુશળધાર વરસાદથી ખરીફ વાવેતરને જંગી નુકસાન થતા ફરી એકવાર જગતના તાત એવા ખેડૂતની મુશ્કેલી વધી છે. મુશળધાર વરસાદ અને ક્યાંક પુર જેવી પરિસ્થિતિને લીધે ખેતરમાં ઉભો પાક ધોવાઇ ગયો છે. તેવામાં રાજ્ય સરકાર પાક નુકસાનીનો સામનો કરી રહેલ ખેડૂતોના વ્હારે આવી છે.
ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટમાં અતિવૃષ્ટિ સામે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે રુપાણી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંગે કૃષિ મંત્રી આરસી ફળદૂએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદને કારણે ખેતી પાકને જે નુકસાન થયું છે, એડીઆરએફના ધોરણ પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
રાજ્યના કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવાના આદેશો કેબિનેટ બેઠકમાં અપાયા છે. જે અંતર્ગત આગામી પંદર દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા કરશે.
મહત્વનું છે કે, અતિવૃષ્ટિનાા કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે. અંદાજે રાજ્યમાં 6 હજાર કરોડથી વધુનું રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને નુકશાની પેટે પેકેજ જાહેર કરે તેવી પણ શક્યતાઓ ચર્ચાઇ રહી છે.