વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટના અનાદર કેસમાં સુપ્રીમ કોર્ટે 1 રુપિયાનો દંડ ફટકાર્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધી 1 રુપિયાનો દંડ જમા કરાવવા જણાવ્યું છે. તેમજ જો દંડ ના ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાના જેલની સજા થઈ શકે છે અથવા ત્રણ વર્ષ સુધી કાયદાની પ્રેક્ટિસ પર પણ રોક લગાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો કોઈ પ્રકાશન કે મીડિયામાં આવેલા વિચારોથી પ્રભાવિત થઈ શકતો નથી. આ પહેલાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી કરતાં તેના પરની સજાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. ગત સુનાવણીમાં પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
આ મામલે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ટ્વિટ ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી. ત્યારબાદ કોર્ટે ભૂષણના વકીલને જ પૂછ્યું હતું કે તમે સલાહ આપો કે ભૂષણને શું સજા આપવી જોઈએ? સુપ્રીમ કોર્ટે ગત મંગળવારે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ભૂષણને તક આપી હતી. ભૂલ હંમેશા ભૂલ હોય છે અને સંબંધિત વ્યક્તિને તે મહેસૂસ થવું જોઈએ. કોર્ટની મર્યાદા છે. ભૂષણે કહ્યું હતું કે તેઓ માફી માંગશે નહીં. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટે પ્રશાંત ભૂષણને ન્યાયપાલિકા વિરુદ્ધ તેમના બે અપમાનજનક ટ્વિટ માટે દોષિત ઠેરવ્યા હતા.