કોરોના વાયરસના મહાસંકટના કારણે યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષા રદ્દ કરવા છેલ્લા કેટલાક સમયથી માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે આ મામલે દાખલ કરવામાં આવેલ એક અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષ પરીક્ષાઓ યોજવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જો કે કોરોના પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં છૂટછાટ મળી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોશન ન આપી શકાય. સાથે જ કોર્ટે જણાવ્યું કે, UGCની મંજૂરી વિના રાજ્ય સરકારો પરીક્ષા રદ્દ ન કરી શકે. અંતિમ વર્ષની પરીક્ષા આયોજિત કર્યાવિના વિદ્યાર્થીઓને પ્રમોશન આપી ન શકાય. સુપ્રીમે જણાવ્યું કે, રાજ્યો UGC જોડે વાત કરીને પરીક્ષાની તારીખ નક્કી કરે.
સુપ્રીમના ચુકાદા બાદ છેલ્લા ઘણા સમયથી અંતિમ વર્ષની પરીક્ષા યોજાશે કે નહીં તેને લઈ મડાગાંઠ ચાલી રહી હતી જે હવે ખતમ થઈ છે. જો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવનારા રાજ્યોને કોરોના વાયરસના વધતા પ્રકોપના પગલે છૂટ આપવા પણ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ચુકાદો આપતા કહ્યું કે દેશભરમાં પાઠ્યક્રમોની છેલ્લા વર્ષની પરીક્ષાઓ યુજીસીના આદેશ મુજબ સંપન્ન કરવામાં આવશે. તેમજ આ દરમિયાન યુજીસીએ તૈયાર કરેલ ગાઈડલાઈનનું પણ પાલન કરવા માટે સુપ્રીમે જણાવ્યું છે. મહત્વનું છે કે, દેશના તમામ વિદ્યાર્થીઓ પોતાના છેલ્લા વર્ષની પરીક્ષાઓને લઈને ખુબ અસમંજસની સ્થિતિમાં હતા. આપને જણાવી દઈએ કે, યુજીસીએ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 30 સપ્ટેમ્બર સુધીમાં ફાઈનલ યરની પરીક્ષાઓ અનિવાર્ય રીતે પૂરી કરાવવાના આદેશ આપ્યા છે.