ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની ગુરુવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં યોજાયેલી 41મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે. જોકે કોરોનાની ઈફેક્ટ સીધી જીએસટી કલેક્શન પર પણ જોવા મળી હોવાનું આ બેઠકમાં મંથન કરાયા બાદ સામે આવ્યું છે.
બેઠક પૂર્ણ થયા બાદ સરકારે કહ્યું છે કે કોરોના મહામારીને કારણે GSTના કલેક્શનમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, રાજ્યોને જીએસટીની ક્ષતિપૂર્તિના રુપમાં 1.65 લાખ કરોડ રુપિયા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માર્ચમાં જાહેર કરાયેલ 13806 કરોડ રુપિયાનો પણ સમાવેશ થાય છે.
પાંચ કલાકની મેરેથોન બેઠક પછી સીતારામને જણાવ્યું હતું કે રાજ્યોના વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યો પાસે વળતર માટે રિઝર્વ બેંકનો સંપર્ક કરવાનો વિકલ્પ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે રાજ્યોને આવકની કમી પૂરી કરવા માટે બજારમાંથી લોન લેવાનું કહ્યું છે.
આપને જણાવી દઈએ કે, જીએસટી કાયદા હેઠળ રાજ્યોને જીએસટી અમલીકરણ પહેલી જુલાઈ 2017થી શરૂ થયુ તેના પ્રથમ પાંચ વર્ષ સુધી આવકમાં કોઈપણ પ્રકારની ઘટ પડે તો તેનું વળતર આપવા કેન્દ્ર બંધાયેલું છે. રાજ્યો દ્વારા 2015-16ના આધારે વર્ષે જીએસટી કલેક્શનમાં 14 ટકાની વાર્ષિક વૃદ્ધિને અંદાજીને આ ઘટની ગણતરી કરવામાં આવી હતી.