સુપ્રીમ કોર્ટે મોહર્રમ જુલૂસને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમમાં મોહર્રમ જુલૂસ કાઢવા માટે મંજૂરી માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવતા જણાવ્યું છે કે, જો આપણે સરઘસ કાઢવાની મંજૂરી આપીશું તો અરાજકતા ફેલાશે.
સાથે જ કોર્ટે પુરી જગન્નાથ યાત્રાને મંજૂરી આપવાના કારણે અંગે પણ વાત કરી હતી. શિયા ધર્મગુરૂ મૌલા કલ્બે ઝવ્વાદે દેશમાં મોહરમ જુલૂસ કાઢવાની માગ કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટે આ અરજીને નકારી કાઢતાં કહ્યું કે જો આપણે સરઘસ કાઢવા દઈશું તે અરાજકતા ફેલાશે અને પછી કોરોના ફેલાવવાના નામે કોઈ ખાસ સમુદાયને નિશાન બનાવશે, જે સુપ્રીમ કોર્ટ નહીં ઇચ્છે.
કોર્ટમાં અરજદારના વકીલે જગન્નાથપુરી યાત્રા માટે દલીલ કરી હતી, જ્યારે કોર્ટે કહ્યું હતું કે તમે આખા દેશ માટે પરવાનગી માગી રહ્યા છો. જગન્નાથપુરી યાત્રા કોઈ ખાસ સ્થળે થાય છે, જ્યાં રથ એક સ્થળેથી બીજી જગ્યાએ જાય છે. જો કોઈ સ્થાનની વાત કરવામાં આવે, તો અમે ભયનું મૂલ્યાંકન કરી શકીએ અને આદેશો આપી શકીએ. મહત્વનું છે કે, ચાંદના દર્શન સાથે મોહરમનો ઉત્સવ 29 અથવા 30 ઓગસ્ટથી શરૂ થશે. શિયા મુસ્લિમ સમુદાયના લોકો તેને ગમ અને દુઃખના ઉત્સવ તરીકે ઉજવે છે. આ દિવસે ઇમામ હુસેન અને તેના સાથીઓની શહાદતને યાદ કરવામાં આવે છે.