રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. માનવ તસ્કરી, ગૌવંશ હત્યા, નાણાંકીય છેતરપીંડી સહિતના ગુના, જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડવુ, સરકાર વિરુદ્ધ કોઈ સમાજને ભડકાવવા જેવા બનાવોને ડામવા સરકાર કડક કાયદો લાવવા વિચારી રહી છે. ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરી અને ગુનેગારોને કાબૂમાં લેવા માટે હવે નવો કાયદો લાવવા જઈ રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
માનવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર પણ ગુનાખોરીને ડામવા માટે ઉત્તરપ્રદેશની સ્ટાઈલ અપનાવી શકે છે એટલે કે ઉત્તરપ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુન્ડાઝ એક્ટ જેવો કાયદો ગુજરાતની રુપાણી સરકાર લાવશે. મળતી માહિતી મુજબ, સરકાર આ કાયદાને વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરી શકે છે અથવા તો અધ્યાદેશ લાવીને લાગુ કરી શકે છે. જોકે રાજ્યના ટોચના બ્યુરોક્રેટ્સ જેમાં IPS અધિકારીઓ પણ સામેલ છે તેઓ આ નવા સુચિત કાયદા સામે રેડ સિગ્નલ આપી રહ્યા છે. ટોચના અધિકારીઓનું માનવું છે કે પોલીસના હાથમાં અસિમિત સત્તા ધરાવતો કાયદો આપો દેવાથી તેનો દુરુઉપયોગ થઈ શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ, રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અને રાજ્યની કેબિનેટે અધિકારીને નવો કાયદો અને સુધારીત કાયદો તેમજ અધ્યાદેશ માટેની જરુરી તૈયાર કરવા માટે જણાવ્યું છે. આ અંગે રાજ્યના ગૃહ અને કાયદા પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ‘અમે હાલ પાસા એક્ટમાં સુધારા માટે અને નવા કંટ્રોલ ઓફ ગુંડાઝ એક્ટ અંગે ખૂબ જ ગંભીર રીતે વિચારણા કરી રહ્યા છે. પરંતુ હાલના તબક્કે કઈં કહેવું તે વધારે પડતું કહેવાશે.’