રાજ્યની રુપાણી સરકારે ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મ સ્થાનો તેમજ ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે રીતે કબજો જમાવનાર ભૂમાફિયાઓ સામે લાલઆંખ કરી છે. આ માટે મહત્વનો નિર્ણય લેતા કડક જોગવાઈ સાથે એક કાયદો તૈયાર કર્યો છે જે અંગેની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે આ કાયદાને મંજૂરી આપી દીધી છે. જે અંગેની મહેસૂલમંત્રી કૌશિક પટેલે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત દુનિયામાં વિકાસનું રાજ્ય તરીકે ઓળખાય છે. જેમાં જમીનનો મહત્વનો રોલ હોય છે. આ કાયદામાં સ્પેશ્યલ કોર્ટની જોગવાઈ કરવામાં આવી છે.
ઓનલાઈન સિસ્ટમથી નાણાં ભરી પ્રક્રિયા કરાશે. સરકારી ઓફિસમાં રૂબરુ નહી જવુ પડે. આ કાયદા અનુસાર જમીન પચાવી પાડનારા લોકો વિરુદ્ધ 10થી 14 વર્ષની જેલ તથા જમીનની જંત્રી સમાન દંડની જોગવાઇઓ રાખવામાં આવી છે. હવે આગામી વિધાનસભા સત્રમાં ગુજરાતના મહેસૂલ વિભાગ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન વિધેયક, 2020 રજૂ કરશે. જે પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી મળ્યે કાયદા તરીકે પ્રસ્થાપિત થશે. આ બિલ બુધવારે કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યું હતું જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ છે.
આ કાયદા મુજબ, જમીન પચાવી પાડવાના ગુનામાં કોઇ કંપની સામેલ હોવાનું સામે આવે છે તો તે કંપનીના તમામ પ્રભારી વ્યક્તિઓ વિરુદ્ધ આ ગુનો લાગુ પડશે. સરકાર જમીનના કેસની ઝડપી સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના કરશે. કોર્ટમાં કેસ દાખલ થયાના 6 મહિનામાં જ કેસનો નિકાલ થાય તેવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. તેમજ જમીન પર ગેરકાયદે કબજો જમાવનારને 10થી 14 વર્ષ જેલની સજા ફટકારવામાં આવશે. આ કાયદા મુજબ, ગુનેગારને જેલની સજા ઉપરાંત જમીનની જંત્રીની કિંમત જેટલા શિક્ષાત્મક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.