ગુજરાતમાં સતત થઈ રહેલા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે. જોકે આ તમામ મુશ્કેલીઓ વચ્ચે એક નયનરમ્ય વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વરસાદની વચ્ચે મોઢેરા સૂર્ય મંદિરનો એક અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં મોઢેરા સૂર્યકૂંડમાં ઝરણા માફક વરસાદી પાણી વહેતુ નજરે પડી રહ્યુ છે. જેને વડાપ્રધાન મોદીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. મોઢેરાના સૂર્ય મંદિરનો આ વીડિયો ટ્વિટ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદની વચ્ચે અદ્ભુત દેખાઈ રહ્યું છે.
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
— Narendra Modi (@narendramodi) August 26, 2020
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર મહેસાણાના બહુચરાજી નજીકના મોઢેરા ગામમાં આવેલુ છે. આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્થાપત્ય તરીકે જાહેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લામાં ડેમ, જળાશયો ઓવરફ્લો થઇ રહ્યાં છે. પરિસ્થિતિ પર ગંભીર બને તે પહેલા જળાશયોના ગેટ ખોલવામાં આવી રહ્યાં છે.