ભારતમાં રેલવે ઈન્ક્વાયરી માટે ઘણી વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. ટિકિટ બુકિંગ માટે પણ ઘણી થર્ડ પાર્ટી વેબસાઈટ છે જે ટિકિટ બુકિંગ કરે છે. જેમાંથી એક રેલ યાત્રી વેબસાઈટ પણ છે. ત્યારે આ વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરતા રેલવે યાત્રિકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, આ વેબસાઈટ પરથી આશરે 7 લાખ મુસાફરોના ડેટા લીક થઈ ગયા છે.
આ અહેવાલ સામે આવતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી અનુસાર, ભારતીય રેલવેમાં ટ્રેનની માહિતીથી માંડીને ટિકિટ બુકિંગ માટે ઉપયોગમાં લેવાતી વેબસાઇટ્સ પૈકી એક રેલ યાત્રી વેબસાઇટ પરથી સાત લાખ પેસેન્જર્સની માહિતી લિક થઇ છે.
આ માહિતીમાં પેસેન્જર્સના ડેબિટ કાર્ડની ડિટેઈલ્સ, યૂપીઆઇ ડેટા અને પર્સનલ ઇન્ફોર્મેશન સામેલ હોવાનું જાણવા મળ્યું છે. પર્સનલ ઇન્ફોર્મેશનમાં નામ, ફોન નંબર, ઇમેલ આઇડી, અને ડેબિટ કાર્ડ નંબર જેવી માહિતી સામેલ છે. નેક્સ્ટ વેબના એક રિપોર્ટ મુજબ રેલ યાત્રી વેબસાઇટ દ્વારા પેસેન્જર્સ-યુઝર્સનો ડેટા એવા સર્વરમાં રાખ્યો હતો જે સિક્યોર ન હતો.
આ લિક વિશે માહિતી ઉજાગર કરનાર ફર્મનું કહેવું છે કે, યુઝર્સની માહિતી જે સર્વરમાં રાખવામાં આવી હતી તે એન્ક્રિપ્ટેડ પણ ન હતું અને એમાં પાસવર્ડ પણ ન હતો. કહેવામાં આવી રહ્યુ છે કે, સામાન્ય વ્યક્તિ પણ આઇપી એડ્રેસની મદદથી ડેટા મેળવી શકે એમ હતું. રિપોર્ટ મુજબ સેફ્ટી ડિટેક્ટિવ્સ નામની સાયબર સિક્યોરિટી ફર્મે આ ડેટા લિકની માહિતી બહાર પાડી હતી. 17 ઓગસ્ટે ફર્મ દ્વારા આ લિક અંગે સરકારી એજન્સી CERTને માહિતી આપવામાં આવી હતી. જોકે રેલ યાત્રી વેબસાઈટ ડેટા લિકના આ અહેવાલને ફગાવી રહ્યુ છે.