પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ સાથે સંકળાયેલ વિસ્તારમાં ચીની હેલિકોપ્ટરની હલચલને ધ્યાનમાં રાખી ભારતે પણ પડોશી દેશની કોઈપણ હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે તમામ તૈયારી કરી લીધી છે. એલએસી સાથે જોડાયેલ ઉંચાઈવાળા વિસ્તાર પર ભારતે શોલ્ડર-ફાયર્ડ એર ડિફેન્સ મિસાઈલથી સજ્જ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
આ મિસાઈલને જવાન પોતાના ખભા પર રાખીને ફાયર કરી શકે છે અને વાયુ સરહદનો ઉલ્લંઘન કરનારા દુશ્મનના હેલિકોપ્ટર, ફાઈટર જેટ્સ અથવા ડ્રોન્સને તોડી પાડી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ, ભારતીય વાયુ સરહદના ઉલ્લંઘનનો પ્રયત્ન કરનાર દુશ્મના એરક્રાફ્ટ્સ સામે લડવા માટે રશિયાના ઇગ્લા એર ડિફેન્સ સિસ્ટમથી લેસ ભારતીય જવાનોને સરહદ પર ઊંચાઈવાળા મુખ્ય વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. રશિયન મૂળની આ એર ડિફેન્સ સિસ્ટમનો ઈન્ડિયન આર્મીની સાથે સાથે એરફોર્સ પણ ઉપયોગ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે, શોલ્ડર ફાયર્ડ એર ડિફેન્સ મિસાઈલથી સજ્જ જવાનોની તૈનાતી ઉપરાંત ભારતે એલએસી પર દુશ્મનની તમામ ગતિવિધિ પર નજર રાખવા માટે રડાર પણ તૈનાત કર્યા છે. મહત્વનું છે કે, હાલમાં જ ભારતના સીડીએસ બિપિન રાવતે લદ્દાખમાં ચીની સેના સાથેની હરકત મામલે નિવેદન આપ્યુ હતું કે જો વાતચીતથી સરહદ વિવાદનો અંત નહીં આવે તો સૈન્ય કાર્યવાહી અંગેના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.