અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સમાચાર સામે આવતા ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે. ગુજરાત ATSએ રાજ્યની તમામ પોલીસને એલર્ટ કરી છે. અફઘાનિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં 4 આતંકી ઘૂસ્યા હોવાના ઈનપૂટ આપવામાં આવ્યા છે. ગુજરાત ATSએ તમામ પોલીસને સ્કેચ ફેક્સ કર્યા છે. ગુજરાત એટીએસના એલર્ટ બાદ પોલીસ પણ એલર્ટ થઈ છે. હાલમાં ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
IBના ઇનપુટ બાદ વલસાડ જિલ્લામાં પણ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર હથિયારધારી પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે. અને તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ભીલાડ ચેકપોસ્ટ પર હથિયારધારી પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સવારથી જ વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભીલાડ ચેકપોસ્ટ પર આવી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવતા જતા વાહનનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.