નેતૃત્વને લઇને બે જૂથોમાં વહેંચાઇ ચૂકેલી કોંગ્રેસની કમાન સોનિયા ગાંધી જ સંભાળશે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની હોબાળાથી ભરેલી રહેલ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સોનિયા ગાંધી હાલના સમયમાં પાર્ટીના અંતરિમ અધ્યક્ષ તરીકે યથાવત રહેશે.
CWCએ આ નિર્ણય પર સંમતિ આપી છે કે સોનિયા ગાંધી પક્ષના અંતિરમ અધ્યક્ષની જવાબદારી બીજા વર્ષ સુધી નિભાવશે. આ પહેલા કોંગ્રેસમાં ઉઠી રહેલી નેતૃત્વ સોંપવાની માંગને મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના 23 જેટલા વરિષ્ઠ નેતાઓ દ્વારા નેતૃત્વને મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખવામાં આવ્યો હતો, જેના જવાબમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરસ્પર પ્રધાન નેતા પસંદ કરી લેવા અને પોતે અધ્યક્ષ પદ ત્યાગ કરવાની રજૂઆત કરી હતી.
વિવાદો વચ્ચે થયેલી CWC દરમિયાન પણ મુખ્ય મુદ્દો પાર્ટી નેતૃત્વનો જ રહ્યો હતો. બેઠક દરમિયાન પણ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પદ છોડવા ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ કેટલાક દિગ્ગજ નેતાઓએ તેમને પદ સંભાળી રાખવાની અપીલ કરી હતી.