કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ઓલ્ડ ગાર્ડ વિરુદ્ધ યંગ ગાર્ડની લડાઈ જોરશોરથી જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેઠકમાં આરોપ લગાવ્યો કે, જેણે પાર્ટીના નેતૃત્વમાં ફેરબદલને લઈ પત્ર લખ્યો છે, તે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન પર બેઠકમાં ભારે હોબાળો મચ્યો અને દિગ્ગજ નેતાઓ ગુસ્સે ભરાયા હતા. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે બેઠક દરમિયાન ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છીએ. મેં રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો યોગ્ય પક્ષ રાખ્યો, મણિપુરમાં પાર્ટીને બચાવી. છેલ્લા 30 વર્ષથી એવું કોઈ નિવેદન નથી આપ્યું જે કોઈ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડે. છતાં પણ કહેવામાં આવી રહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. જોકે કપિલ સિબ્બલે ત્યારબાદ વધુ એક ટ્વિટ કર્યુ હતું જેમાં તેમણે કહ્યુ હતું કે, રાહુલ ગાંધીએ મને વ્યક્તિગત રીતે આ આરોપ નથી મુક્યો અને મને આ માટે જવાબદાર પણ નથી ગણાવ્યા. જેથી હું મારુ ટ્વિટ પાછુ લઉ છું.
આ ઉપરાંત ગુલામ નબી આઝાદે પણ રાહુલના આરોપો પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે જો તેઓ કોઈપણ રીતે ભાજપ સાથે મળેલા છે તેવુ સાબિત કરવામાં આવે તો પોતે રાજીનામુ આપી દેશે. આઝાદે કહ્યું કે ચિઠ્ઠી લખવાનું કારણ કોંગ્રેસ કાર્યસમિતિ હતી. ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ એ નેતાઓમાં સામેલ છે જેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટી પહેલા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પત્રમાં કોંગ્રેસના મુખ્ય નેતૃત્વ પર સવાલ ઉઠાવીને આ સમયે એવા અધ્યક્ષની જરુર છે જે સંપૂર્ણ રીતે પાર્ટીને સમય આપી શકે તેવી માંગ કરી હતી.