ભારત-ચીન સાથે ચાલી રહેલ સરહદ વિવાદને લઈ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. જનરલ બિપિન રાવતે આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, લદ્દાખમાં જો ચીન સાથેની વાતચીત નિષ્ફળ રહેશે તો ભારતીય સેના સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
તેમણે જણાવ્યું કે, લદ્દાખમાં ચીની અતિક્રમણને પહોંચી વળવા માટે સૈન્ય કાર્યવાહીના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, જનરલ રાવતે જણાવ્યું કે જો વાતચીત નિષ્ફળ રહેશે તો ભારતીય સેના કાર્યવાહી કરવા અંગે વિચાર કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રક્ષા મંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રાષ્ટ્રીય સુરક્ષાના જવાબદાર લોકો આ પ્રયત્નોની સાથે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે કે પીએલએ લદ્દાખમાં પહેલા જેવી સ્થિતિમાં પરત ફરે. તેમણે એ પણ જણાવ્યું કે, સરકાર શાંતિપૂર્ણ રીતે આ મામલાનું સમાધાન લાવવા માંગે છે. તેમણે આડકતરી રીતે કહ્યુ કે, પૂર્વ લદ્દાખમાં સેના પૂરી રીતે તૈયાર છે.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર આ મામલાને વારંવાર વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. જોકે ચીન તેની અવળચંડાઈથી બાજ આવી રહ્યું નથી. ગલવાન ઘાટી પર થયેલ અથડામણમાં ભારતના 20 જવાન શહિદ થયા હતા. ત્યારબાદથી બન્ને દેશો વચ્ચે સરહદને લઈ વિવાદ ફરી એકવાર શરુ થયો છે.