કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું તે પહેલાથી જ રાજ્યની શાળાઓ અને કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી ત્યારથી જ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું પરંતુ બાદમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસે અલગ-અલગ પ્રકારની ઉઘરાણીઓ શરૂ કરી દેવામાં આવી. જેના કારણે આખો મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો અને સરકારે પણ તેમા હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
(File Pic)
શિક્ષણ મંત્રીએ તમામ વિદ્યાર્થીની 25% ફી માફ કરવા ખાનગી શાળા સંચાલકોને જણાવ્યુ હતું. જોકે, ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણમંત્રીની આ માંગને ફગાવી છે.
ખાનગી શાળા સંચાલકોનું કહેવું છે કે તેઓ 25 ટકા નહીં પણ 100 ટકા ફી માફ કરવા તૈયાર છે પણ આ લાભ ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સંચાલકોના જણાવ્યા મુજબ જે વાલીઓ પોતાના બાળકોની સ્કૂલ ફી ભરવા સક્ષમ છે તેમને આ લાભ શા માટે આપવો.
(File Pic)
ઓનલાઈન મળેલી ખાનગી શાળા સંચાલકોની બેઠકમાં સરકારના ફોર્મ્યુલાને ફગાવી દેવાયો છે. જેમાં તમામ વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફીની માંગ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ઘણા ખાનગી શાળાના શિક્ષકોનું કહેવુ છે કે જો સરકાર દ્વારા આ પ્રકારે તમામ વિદ્યાર્થીઓની ફી માફીની માંગ માન્ય કરવામાં આવે છે તો શાળા સંચાલકો દ્વારા તેમના પગારમાં પણ કાપ મૂકવામાં આવી શકે છે. જે વાલીઓ તેમના બાળકોની ફી ભરવા સક્ષમ છે અને જેમના રોજગાર ધંધા પહેલાથી જ શરુ થઈ ગયા છે તેઓએ ફી ભરવામાં શા માટે આનાકાની કરવી જોઈએ. બીજીબાજુ વાલી મંડળ ખાનગી શાળા સંચાલકોની આ મનમાનીને ચલાવી લેવા તૈયાર નથી અને તેઓ આગામી સમયમાં સરકાર સમક્ષ આ મુદ્દે રજુઆત પણ કરે તેવી સંભાવના છે.