સમગ્ર દેશમાં અને રાજ્યમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસ દેશમાં વધતા જાય છે. ત્યારે આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો આદેશ કર્યો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવા અંગે હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે સુનાવણીમાં HCએ ગુજરાત સરકારને કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર ન કરવા આદેશ આપ્યો છે.
(File Pic)
કોરોના સંક્રમિતોના નામ જાહેર કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સરકાર અને જિલ્લા તંત્ર કોરોના સંક્રમિતોના નામ જાહેર કરે તેવી માંગ કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જે અંગેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કોરોના સંક્રમિત દર્દીના નામ નહીં પણ દર્દીના વિસ્તારનું નામ જાહેર કરવા માટે આદેશ કર્યો છે.
(File Pic)
સાથે જ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ જણાવ્યું કે, દર્દીની ગુપ્તતાના અધિકારનું પણ સન્માન જળવાય તે જરુરી છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. અત્યાર સુધી રાજ્યમાં 83 હજારથી પણ વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે 65 હજારથી પણ વધુ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.