કોરોના મહામારીના કારણે અનેક પ્રકારની શરતોને આધિન ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા ખાસ વિધાનસભામાં બેસવાની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
(File Pic)
ત્યારે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી સપ્ટેમ્બર મહિનામાં મળે તેવી સંભાવના છે. આ વખતે મર્યાદિત સ્ટાફ સાથે વિધાનસભા સત્ર 15મી સપ્ટેમ્બર બાદ મળી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ, કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી આ સત્ર બે-ત્રણ દિવસનું હોઈ શકે છે. જે અંગેની વિધાનસભાના અધિકારીઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ અત્યારથી જ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
(File Pic)
ગુજરાતમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને પગલે ગુજરાત વિધાનસભામાં મંત્રીઓ-ધારાસભ્યોને બેસવા માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં, જુનિયર ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવી શકે છે. આ ઉપરાંત વિધાનસભા સત્ર દરમિયાન મુલાકાતીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે કોંગ્રેસે વિધાનસભા સ્થગિત કરવાની માંગ કરી હતી. જોકે ભાજપ સરકારે કોંગ્રેસની આ માંગ ફગાવી દીધી હતી. જોકે ત્યારબાદ કોરોના મહામારીને લઈ 23 માર્ચે વિધાનસભાને સ્થગિત કરવી પડી હતી.