રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. જે અંતર્ગત રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં હવે સિંગાપોર-દુબઈની જેમ ગગનચૂંબી ઈમારતોના બાંધકામને પરવાનગી આપવામાં આવશે. રાજ્યમાં હાલનાં નિયમો મુજબ વધુમાં વધુ 22થી 23 માળની ઊંચી બિલ્ડિંગના નિર્માણને જ મંજૂરી આપવામાં આવે છે.
(File Pic)
જોકે, હવે તેના સ્થાને 70થી વધુ માળની ઇમારતો અને આભને આંબતા બિલ્ડીંગ સ્ટ્રકચરનું નિર્માણને પણ મંજૂરી આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-૨૦૧૭માં ટોલ બિલ્ડીંગ – ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે કેટલીક જોગવાઈ રાખવામાં આવી છે. જે 100 મીટરથી ઊંચી બિલ્ડિગ્સ અને બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો એટલે કે લઘુત્તમ પહોળાઇ અને ઊંચાઇ 1 ઝેમ 9 (1:9) કે તેથી વધુ હોય તેને લાગુ થશે.
(File Pic)
વધુમાં આ જોગવાઈ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDAમાં વિસ્તારમાં લાગુ થશે. હાલ CGDCR મુજબ બેઈઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે. મહત્વનું છે કે, આ પ્રકારની ઈમારતની ચકાસણી માટે સ્પેશિયલ ટેકનીકલ કમિટીની પણ રચના કરવામાં આવશે. આ બિલ્ડિંગમાં પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે. સાથેજ વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.