અમેરિકા પણ ભારતના પગલે ચાલીને ચીનને આકરો પાઠ ભણાવી રહ્યું છે. પહેલા ટિકટોક અને વીચેટ બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિના નિશાન પર ચીનની સૌથી મોટી કંપનીઓમાંની એક એવી અલીબાબા આવી છે.
(File Pic)
ટિકટોક પર પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે નવું નિવેદન આપીને ચીનના ધબકારા વધારી દીધા છે. ટ્રમ્પે જણાવ્યુ હતું કે, તે અલીબાબા જેવી ચીની ટેક જાયન્ટ કંપનીઓ પર દબાણ વધારી શકે છે. ટ્રમ્પ ચીનને સબક શિખવવા અલીબાબા પર પણ પ્રતિબંધ લગાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અગાઉ ટ્રમ્પે ચીનની કંપની બાયટડાંસને ટિકટ્કને વેચવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો. ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર અલીબાબા જેવી ચીની સ્વામિત્વવાળી કેટલીક વધુ કંપનીઓ પર સકંજો કસવા જઈ રહી છે? જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઠીક છે, અમે કેટલીક વધુ સંભાવનાઓ શોધી રહ્યા છીએ અને હાં, એવું બની શકે છે. મહત્વનું છે કે, શોર્ટ વીડિયો એપ ટિકટોકને અમેરિકામાં પ્રતિબંધિત કરવાનો આદેશ બહાર પાડીને પહેલેથી ટ્રમ્પે ટેક્નોલોજી ક્ષેત્રની ચીની કંપનીઓ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.