વૈષ્ણો દેવીની યાત્રા 16 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી શરુ થવા જઈ રહી છે. 8 પુજારી અને 11 શ્રાઈન બોર્ડ કર્મચારીઓ કોરોના સંક્રમિત મળ્યા બાદ હવે એસઓપીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા અઠવાડિયામાં ફક્ત 2 હજાર તીર્થયાત્રીનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના વહિવટી તંત્ર દ્વારા આવતીકાલથી જમ્મુ કાશ્મીરના તમામ ધાર્મિક સ્થાનોને પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે.
(File Pic)
જોકે આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ તેમજ સેનેટાઈઝર સહિતના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવશે. જ્યારે વૈષ્મોદેવી યાત્રામાં જમ્મુ કાશ્મીરના 1900 તથા અન્ય રાજ્યોના 100 લોકોનો સમાવેશ થશે. પહેલા 5 હજાર લોકોની પરવાનગી મળી હતી. બેટરી વાહન, યાત્રી રોપવે તથા હેલિકોપ્ટર સેવા નિયમિત રીતે ચલાવવામાં આવશે. કોરોનાની મહામારીના લીધે પ્રવાસ 8 માર્ચથી બંધ છે.
(File Pic)
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે પ્રવાસની નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે. બીજા પ્રદેશો અને જમ્મુ કાશ્મીરના રેડ ઝોન જિલ્લાના લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. આની તપાસ ભવન માટે જવા દરમિયાન હેલીપેડ, ડ્યોઢી ગેટ, બણગંગા, કટરામાં કરવામાં આવે. તીર્થયાત્રીઓ માટે માસ્ક, ફેસ કવર પહેરવું અનિવાર્ય છે અને તમામનું સ્ક્રિનીંગ કરવામાં આવશે.
સાથે જ પ્રવાસમાં ઘોડા, પિઠ્ઠુ અને પાલકીને પરવાનગી આપવામાં નહીં આવે. 10 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગર્ભવતી, બિમાર લોકોને પ્રવાસની પરવાનગી આપવામાં આવશે નહીં.